1. સોફ્ટવેરથી મોટાપાયે 'વોટ ચોરી' થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો
- દેશમાં છેલ્લા 10-15 વર્ષથી લોકતંત્ર હાઈજેક કરી દેવાયું છે : રાહુલ
- વોટ ઓનલાઈન ડિલીટ કરી શકાય નહીં, રાહુલના આરોપો તદ્દન ખોટા અને પાયાવિહોણા : ચૂંટણી પંચનો જવાબ
નવી દિલ્હી : ચૂંટણી પંચ પર 'વોટ ચોરી'ના આક્ષેપો કરી 'એટમ બોમ્બ' ફોડનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સીધા જ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર દેશમાં લોકતંત્રનો નાશ કરનારા અને 'વોટ ચોરો'ને છાવરવાનો આક્ષેપ કર્યો છે. રાહુલ ગાંધીએ ગુરુવારે કર્ણાટકની આલંદ વિધાનસભા ક્ષેત્રનો ડેટા દર્શાવતા સોફ્ટવેરની મદદથી પદ્ધતિસર કોંગ્રેસ મતદારોના વોટ મતદાર યાદીમાંથી ડિલીટ કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ હાઈડ્રોજન બોમ્બ નથી, તે તો હજુ બાકી છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, તેમની પાસેના પુરાવા જાહેર થયા પછી વડાપ્રધાન મોદી દેશને મોં બતાવી શકશે નહીં. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે નવી દિલ્હીમાં ઈન્દિરા ભવનમાં એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર વોટ ચોરોને બચાવવાનો આક્ષેપ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મતદારોના નામ ડિલીટ થવાના કેસની તપાસમાં કર્ણાટક સીઆઈડી દ્વારા માગવામાં આવેલી માહિતી એક સપ્તાહમાં પૂરી પાડવામાં આવે. જો તેમ નહીં થાય તો સ્પષ્ટ થઈ જસે કે ચૂંટણી પંચ દ્વારા 'બંધારણની હત્યા કરવામાં આવી રહી છે.'
બીજીબાજુ ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. પંચે કહ્યું કે, રાહુલના આક્ષેપ આધારહિન અને ખોટા છે. વોટ ક્યારેય ઓનલાઈન ડિલીટ થઈ શકે નહીં. વધુમાં રાહુલ ગાંધી સમજે છે તે રીતે સામાન્ય માણસ આવું કરી શકે નહીં. ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે, વોટ ડિલીટ કરતા પહેલાં અસરગ્રસ્ત વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની તક અપાય છે. ૨૦૨૩માં આલંદમાં વોટ ડિલીટ કરવાનો નિષ્ફળ પ્રયત્ન થયો હતો. આ મામલે ચૂંટણી પંચે જ એફઆઈઆર નોંધાવી હતી. ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ આલંદ વિધાનસભા બેઠક ૨૦૧૮માં ભાજપ અને ૨૦૨૩માં કોગ્રેસે જીતી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મતદાર યાદીમાં ચેડાં છેલ્લા ૧૦-૧૫ વર્ષથી થઈ રહ્યા છે. ભારતના લોકતંત્રને હાઈજેક કરી લેવાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે હું માત્ર સત્ય બહાર લાવી શકું છું. લોકતંત્રને માત્ર ભારતની જનતા જ બચાવી શકશે. લોકોને ખ્યાલ આવશે કે લોકતંત્ર અને બંધારણની ચોરી થઈ ગઈ છે એટલે મારું કામ પૂરું થઈ જશે.
રાહુલ ગાંધીએ ૨૦૨૩ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો આલંદ મતવિસ્તારનો ડેટા દર્શાવતા કહ્યું કે, આ મતવિસ્તારમાંથી ૬,૦૧૮ મતો ડીલીટ કરવાનો પ્રયત્ન કરાયો હતો. આવું જ કામ મહારાષ્ટ્રના રાજુરા મતવિસ્તારમાં થયું હતું, જ્યાં ૬,૮૫૦ મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદીમાં ઉમેરાયા હતા. આલંદ મતવિસ્તારમાં કોંગ્રેસના ગઢ એવા ૧૦ બૂથમાંથી મહત્તમ નામ ડિલીટ કરાયા હતા. કોંગ્રેસે આ ૧૦ બૂથમાંથી આઠ પર ૨૦૧૮માં વિજય મેળવ્યો હતો. આ યોગાનુયોગ નથી. આ પદ્ધતિસરનું આયોજન હતું. કેટલાક લોકોનું જૂથ સમગ્ર ભારતમાં પદ્ધતિસર લાખો મતદારોના નામ ડિલીટ કરે છે, જેમાં મુખ્યત્વે લઘુમતી, દલિતો, આદિવાસીઓ, ઓબીસીના નામનો સમાવેશ કરાયો છે.
કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, આલંદ વિધાનસભા મતવિસ્તારમાં વોટ ડિલીટ કરવા મતદારો તરીકે ૬,૦૧૮ અરજીઓ થઈ હતી અને આ અરજીઓ કર્ણાટકની બહારના મોબાઈલ નંબરોનો ઉપયોગ કરીને ઓટોમેટિક કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ સ્ટેજ પર એક માણસને બોલાવ્યો હતો, જેને વોટ ડિલીટ કરવા માટે અરજદાર બનાવાયો હતો, પરંતુ તેને તેની કોઈ માહિતી નહોતી. એ જ રીતે જેનો વોટ ડિલીટ કરાયો તેને પણ આ અંગે કોઈ માહિતી નહોતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વોટ ડિલીટ કરવા માટેનું ફોર્મ ભરવાની પ્રક્રિયા સેકંડોમાં થઈ જતી હતી અને તે વહેલી સવારે કરવામાં આવતી હતી. એટલે કે આ કામ કોઈ વ્યક્તિઓ દ્વારા નહીં પરંતુ સોફ્ટવેર દ્વારા કરવામાં આવી હતી. હું મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર સીધો આક્ષેપ કરી રહ્યો છું કે તેઓ વોટ ચોરો અને આ દેશના લોકતંત્રનો નાશ કરનારા લોકોને મદદ કરી રહ્યા છે. અમારી પાસે ૧૦૧ ટકા પુરાવા છે કે મતદાર યાદીમાંથી એવા લોકોના વોટ કપાયા હતા, જે કોંગ્રેસને વોટ આપવા જઈ રહ્યા હતા.
તેમણે ઉમેર્યું કે, કર્ણાટકમાં આ બાબતની તપાસ ચાલી રહી છે. કર્ણાટક સીઆઈડીએ ચૂંટણી પંચને ૧૮ મહિનામાં ૧૮ પત્ર મોકલ્યા છે અને તેમની પાસેથી કેટલીક સરળ વિગતો માગી છે. અમને ચૂંટણી પંચ પાસેથી એ ડેસ્ટિનેશન આઈપી જોઈએ છે જ્યાંથી આ ફોર્મ ભરાયા હતા. અમને એ ડિવાઈસ ડેસ્ટિનેશન પોર્ટ જણાવો જ્યાંથી આ અરજીઓ દાખલ કરાઈ હતી અને અમને ઓટીપી ટ્રેલ્સ જણાવો કારણ કે તમે અરજી કરો છો ત્યારે તમારે ઓટીપી મેળવવાનો હોય છે. ચૂંટણી પંચ અમને આટલી સરળ વિગતો આપી શક્યું નથી. કારણ કે તેનાથી અમને ખબર પડી જશે કે ઓપરેશન ક્યાંથી ચાલી રહ્યું છે.