અમદાવાદ વિમાન દુર્ઘટના માટે કોણ જવાબદાર? મૃતકોના પરિવારોએ કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારોએ વિમાન નિર્માતા બોઇંગ અને હનીવેલ સામે અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

1. અમદાવાદ વિમાન દુર્ઘટના માટે કોણ જવાબદાર? મૃતકોના પરિવારોએ કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો

વોશિંગટન ડીસી: અમદાવાદ વિમાન દુર્ઘટના આ વર્ષની અત્યારસુધીની સૌથી મોટી દુર્ઘટના છે, જેમાં 260 જેટલા લોકો માર્યા ગયા હતા અને સદનસીબે માત્ર એક જ મુસાફર બચ્યો હતો. આ દુર્ઘટનાને લઈને એક તરફ વિવિધ એજન્સી તપાસ કરી રહી છે. ત્યારે બીજી તરફ આ દુર્ઘટનાના પીડિતોએ અમેરિકાની કોર્ટમાં વિમાનના નિર્માણ સાથે જોડાયેલી બે કંપનીઓ સામે કેસ દાખલ કર્યો છે.

એર ઇન્ડિયા ફ્લાઇટ 171 દુર્ઘટનામાં માર્યા ગયેલા ચાર મુસાફરોના પરિવારોએ ડેલવેર સુપિરિયર કોર્ટમાં વિમાન ઉત્પાદક બોઇંગ અને ટેકનોલોજી કંપની હનીવેલ સામે કેસ દાખલ કર્યો છે. આ ચાર મુસાફરોમાં કાંતાબેન ધીરુભાઈ પાઘડલ, નવ્યા ચિરાગ પાઘડલ, કુબેરભાઈ પટેલ અને બેબીબેન પટેલનો સમાવેશ થાય છે.

અમદાવાદ પ્લેન ક્રેશના પ્રારંભિક અહેવાલ બાદ ઉઠ્યા સવાલ, કોણે ફયુલ સ્વીચ કટ ઓફ કરી ?

આ ચાર મૃતકોના પરિવારોએ આરોપ લગાવ્યો છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ કંપનીઓની બેદરકારી અને ખામીયુક્ત ફ્યુઅલ કટઓફ સ્વિચ જવાબદાર છે. કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પરની ફ્યુઅલ કટઓફ સ્વિચનું લોકિંગ મિકેનિઝમ આકસ્મિક રીતે ખુલી શકે છે, જેના કારણે ઇંધણનો પુરવઠો બંધ થઈ જાય છે, પરિણામે વિમાનના ટેકઓફ માટે જરૂરી થ્રસ્ટમાં ઘટાડો થઈ શકે છે.

અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલ બાદ એર ઇન્ડિયાની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું

2018માં યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા બોઇંગ અને હનીવેલને આ ખામી વિશે ચેતવણી આપવામાં આવી હતી, છતાં કંપનીઓએ તેને સુધારવા માટે કોઈ નક્કર પગલાં લીધાં નહોતા. જેનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્વિચ થ્રસ્ટ લીવરની બરાબર પાછળ હતી, જેના કારણે પાઇલટ દ્વારા ભૂલથી તે ચાલુ થઈ શકે તેવી શક્યતા હતી.

અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલમાં પ્રકાશમાં આવી બે પાયલોટ વચ્ચેની આ છેલ્લી વાતચીત

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 229 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ અને જમીન પર રહેલા 19 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, ભારતીય, બ્રિટિશ અને અમેરિકન તપાસકર્તાઓએ હજી સુધી દુર્ઘટનાનું ચોક્કસ કારણ નક્કી કરી શક્આ નથી. ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરોના પ્રારંભિક અહેવાલમાં ક્રેશ પહેલાં કોકપીટમાં થયેલી મૂંઝવણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વિમાનમાં યાંત્રિક ખામી અથવા ઇંધણ નિયંત્રણમાં ભૂલની શક્યતા ઘણી ઓછી છે. એવું જુલાઈ મહિનામાં FAA એ દ્વારા જણાવવામાં આવ્યું હતું.