1. ખેતરમાં મગફળી ઉભી હોવા છતા સરકારે ખેડૂતોને કહ્યું- સાબિત કરો: સર્વેમાં છબરડાના કારણે સૌરાષ્ટ્રના 6000થી વધુ ખેડૂતો ધંધે લાગ્યા, વેરિફિકેશન બાદ જ ટેકાના ભાવે મગફળી વેચી શકશે - Rajkot News
કૉપી લિંક
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતામાં ફરીથી એકવાર વધારો થયો છે. ટેકાના ભાવે મગફળીના રજિસ્ટ્રેશન કરાવેલા અનેક ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ તાલુકાના કણકોટ, રામનગર અને વાગુદડ જેવા ગામોમાં
સેટેલાઇટ સર્વે અને ડિજિટલ ક્રોપ સર્વે બન્યો સમસ્યાનું કારણ સરકાર દ્વારા હાલ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખેતપાકોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયામાં સેટેલાઇટ સર્વે અને ડિજિટલ ક્રોપ સર્વે દ્વારા ખેડૂતોના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ચકાસણી દરમિયાન, આશરે 10% ખેડૂતોને તેમના રજિસ્ટ્રેશન રદ થયુ હોવાના મેસેજ મળ્યા છે, કારણ કે સેટેલાઇટ સર્વેમાં તેમના ખેતરમાં મગફળીનું વાવેતર દર્શાવવામાં આવ્યું નથી. આ મેસેજ મળતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે.
'ખેડૂતને હાલાકી બહુ થઈ રહી છે' હરેશભાઈ પરષોત્તમભાઈ પીપળિયા નામના ખેડૂતએ જણાવ્યું કે, સરકારનું કામ કરવું કે કાગળિયા વાહે લાઈનમાં જ ઊભું રહેવું, ધક્કા જ ખવરાવવા કચેરીએ? અત્યારે માણસની કટોકટી ફૂલ છે. એક બાજુ કામને એક બાજુ આ કાગળિયાં. ખેડૂતને હાલાકી બહુ થઈ રહી છે. ખેડૂત માટે કંઈક થોડીક સરકારને ધ્યાન આપવું જોઈએ કે આ ખેડૂતો હેરાન ઓછા થાય. ખેડૂતોને બહુ તકલીફ પડતી હોય છે.
'ભૂલ છે સરકારી તંત્રની અને ભોગવે છે ખેડૂત' રમેશભાઈ ઉગાભાઈ ખૂંટ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, હેરાનગતિ એ થાય છે કે અત્યારે હવે જે કંઈ છે તે નવેસરથી નવી પ્રક્રિયા કરવાની છે. તમારા કાગળિયા કચેરી સુધી પહોંચાડો. અને એક તો અહીંયા કામ હોય છે કે આ મગફળી અત્યારે ઓલરેડી પાકી ગઈ છે, અને મજૂર ક્યાંય મળતા નથી. સરકારી કચેરીમાં ખોટા ધક્કા ખાવા પડે છે. ભૂલ કોકની ને ભોગવે કોક. ભૂલ છે સરકારી તંત્રની અને ભોગવે છે ખેડૂત. ખેડૂતો માટે અત્યારે સમયની બહુ જોરદાર કટોકટી હોય છે. હાલમાં બધા ખેડૂતોને તકલીફ જ છે, પણ અમારા કણકોટ અને રામનગરના ખેડૂતો ભેગા થયા છે. એમાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે 16 થી 17 જણાના રિજેક્ટ થયા છે.
'ખેડૂતને થકવવાના અને કંપનીને આગળ લાવાની સરકારની આ સ્પષ્ટ નીતિ' ખેડૂત વિપુલભાઈ ભીમજીભાઈ ડોબરિયાનાં જણાવ્યા મુજબ પહેલા તો આ ખરીદીમાં છે ને ડિજિટલ કર્યું. પહેલા તો ખેડૂને ડિજિટલ તો ફાવતું હોય નહીં, તો તમને એમ કે ખેડૂત પોતે કરે. તો ખેડૂને ફાવે? પહેલા તો એ સરકારને એટલી ન ખબર પડે. અને સરકારની આ સ્પષ્ટ નીતિ છે કે ખેડૂતને થકવવાના અને કંપનીને આગળ આવે તો જ. એટલે કંપની થકી જ આખો દેશ હાલતો હોય એવું લાગે છે.
ખેતીવાડી અધિકારીએ આશ્વાસન આપ્યું આ બાબતે રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો પોતે પણ ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પોતાના જ ફોનથી પોતાના ખેતરનો સર્વે કરી શકે છે. આ અંગે હેડ ઓફિસ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને તેઓએ પણ પ્રક્રિયા માત્ર ચકાસણી માટે જ હોવાનું જણાવ્યું છે.
અમુક ગામો એપ્લિકેશનમાં દેખાતા નથી ખેતીવાડી અધિકારીએ સ્વીકાર્યું પણ હતું કે, હાલ જે ડિજિટલ ક્રોપ સર્વે ચાલી રહ્યો છે તેમાં અમુક ગામો એપ્લિકેશનમાં દેખાતા નથી, જેના કારણે કેટલાક ખેડૂતોના સર્વે બાકી રહી ગયા છે. જોકે, આ ટેકનિકલ ખામીઓને દૂર કરવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો પાસેથી ખરાઈ કરાવ્યા બાદ જ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આથી, ખેડૂતોને તાત્કાલિક ગ્રામ સેવક અથવા સર્વેયરનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે.
ખેડૂતોએ પોતાની મુશ્કેલી વ્યક્ત કરી ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડ્યું હતું અને હવે આ રજિસ્ટ્રેશન રદ થતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટના કણકોટ, રામનગર અને વાગુદડ જેવા ગામોમાં ખેડૂતો ભેગા થઈને પોતાની મુશ્કેલી વ્યક્ત કરી રહ્યા છે. જસદણ પંથકમાં પણ ખેડૂતોએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. આ સંજોગોમાં ખેતીવાડી વિભાગે ઝડપી કાર્યવાહી કરતા ખેડૂતોને સમસ્યાના નિરાકરણ માટેના માર્ગદર્શન આપ્યા છે. જેમાં આ મામલે ખેડૂતોને હવે ગ્રામ સેવક અથવા સર્વેયરનો સંપર્ક કરી પોતાની મગફળીના પાકનું યોગ્ય વેરિફિકેશન કરાવવું પડશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ તેઓ ટેકાના ભાવે પોતાની મગફળીનું વેચાણ કરી શકશે.