મોરબી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે આજે ભાજપ દ્વારા ‘મૂરતિયાઓ’ની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મોરબીમાં રાજ્ય સરકારમાં વર્તમાન મંત્રી બ્રિજેશ મેરજાનું પત્તું કપાઈ ગયું છે અને કાંતિ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી છે. હાલમાં જ મોરબીમાં બ્રિજ દુર્ઘટના થઈ જેમાં 135 લોકોના મોત થયા હતા. આ બાદ સરકાર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે તેની અસર હવે ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે અને મોરબીના વર્તમાન ધારાસભ્ય બ્રિજેશ મેરજાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. બ્રિજેશ મેરજા ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યના શ્રમ રોજગાર અને પંચાયત મંત્રીનો કારોભાર સંભાળતા હતા.
કાંતિ અમૃતિયા મોરબી દુર્ઘટના વખતે મદદે દોડી ગયા હતા
કાંતિ અમૃતિયા મોરબી દુર્ઘટના સમયે પોતે મચ્છુ નદીમાં પડીને લોકોના જીવ બચાવવા દોડી ગયા હતા. આ અંગે તેમના ઘણા વીડિયો પણ વાઈરલ થયા હતા અને તેમની મોરબી દુર્ઘટનામાં મસિહા પણ કહેવામાં આવી રહ્યા હતા. ત્યારે તેમના પ્રત્યે મોરબીના લોકોની સંવેદના પણ વધુ હોય ભાજપ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી હોય તેમ માનવામાં આવી રહ્યું છે. કાંતિ અમૃતિયાને ટિકિટ અપાતા તેમના સમર્થકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.
કોણ છે ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા?
કાંતિ અમૃતિયાની વાત કરીએ તો તેઓ 1995માં પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2013 સુધી મોરબીમાં ધારાસભ્ય રહ્યા હતા. તેમણે મોરબી મત વિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું છે.તેમણે ખેતી અને ઉદ્યોગક્ષેત્રે પણ કામ કર્યું છે.
બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા
બ્રિજેશ મેરજા 2017માં કોંગ્રેસમાંથી મોરબી બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા અને બાદમાં 2020માં રાજ્યસભાની ચૂંટણી પહેલા જ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. આ બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી હતી અને તેઓ ધારાસભ્ય તરીકે જીત મેળવી હતી.