અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના 160 ઉમેદવારોની યાદી આજે જાહેર કરી દીધી છે. આ સાથે જ ભાજપની માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થતા જ ભાજપ સૌથી મોટા ચહેરા PM મોદીને ચૂંટણીના મેદાનમાં ઉતારશે. 17 નવેમ્બર ચૂંટણીના ફોર્મ ભરવાની તારીખ પતતા જ PM મોદીનું ચૂંટણી અભિયાન શરૂ થઈ જશે.
શું હશે PMનો કાર્યક્રમ?
સૂત્રો મુજબથી પ્રાપ્ત માહિતી મુજબ, PM મોદી 17 નવેમ્બર બાદ સાતથી આઠ દિવસ ગુજરાતમાં રહેશે અને 25થી વધુ જનસભા અને રોડ શો કરશે.ગુજરાતની 182માંથી 3-4 વિધાનસભા વિસ્તારોમાં એક રેલી થશે.આ રીતે 150થી વધુ વિધાનસભા વિસ્તારોમાં PM મોદી પહોંચશે. જોકે ગુજરાતમાં આ વખતે મુખ્યમંત્રી પદનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ જ રહેશે અને ફરી ભાજપની સરકાર બનશે તો તેમને જ CM બનાવાશે.
મોદી બ્રાન્ડથી ભાજપ સર કરશે ગુજરાતનો ગઢ
ત્યારે ખાસ વાત એ છે કે ભાજપ આ વખતે પણ ગુજરાતનો ગઢ મોદી બ્રાન્ડથી જ સર કરશે. ગુજરાતમાં PM મોદીની લહેર આગળ તમામ વિપક્ષો અત્યાર સુધી નબળા રહ્યા છે અને ભાજપને છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં પરાજયનો સામનો કરવો પડ્યો નથી.
ભાજપના અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાત આવશે
PM મોદી ઉપરાંત અન્ય કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાતના ચૂંટણી પ્રચાર માટે ધામા નાખશે. જેમાં ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં જ હશે.
ગુજરાતમાં બે ચરણમાં મતદાન
નોંધનીય છે કે, ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર એમ બે ચરણમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 8મી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. ત્યારે ભાજપે આ વખતની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભાજપ માટે PM મોદી તેમના સૌથી મોટા સ્ટાર પ્રચારક છે અને નરેન્દ્ર મોદીના નામ પર જ ભાજપને ગુજરાત નહીં અન્ય રાજ્યોમાં પણ મત મળતા આવ્યા છે. એવામાં ફરી એકવાર તેઓ ચૂંટણી પહેલા ગુજરાતમાં આવશે.