અંબાલાલની નવરાત્રિમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી: હાથિયો નક્ષત્રનો વરસાદ ખેલૈયાઓ-આયોજકોની મજા બગાડી શકે છે, આજે છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી - Ahmedabad News
ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ જે જિલ્લામાં હજી ચોમાસાની વિદાય થવાની બાકી છે ત્યારે આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, એટલે કે 22 અને 23 સપ્ટેમ્બરે પ્રથમ અને બીજા નોરતામાં પણ વ
હવામાન વિભાગ દ્વારા આજે પણ કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાયના 28 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં હાલ ભુજ અને ડીસામાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, જોકે હાથિયો નક્ષત્રનો વરસાદ નવરાત્રિના ખેલૈયાઓનો અને આયોજકોની મજા બગાડી શકે છે.
અંબાલાલની નવરાત્રિમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદનું વિઘ્ન આવી શકે છે. 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યાર બાદ 25 સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે, જે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત 1થી 3 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. વરસાદની સાથે સાથે નવરાત્રિમાં ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધુ રહેશે, જેનાથી ખેલૈયાઓને મુશ્કેલી પડી શકે છે.
22 અને 23 સપ્ટેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા 17થી 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 તારીખથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે 22 અને 23 પ્રથમ બે નોરતાં દરમિયાન પણ વરસાદ વરસી શકે છે.
સિનોપ્ટિક સિસ્ટમમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. રામાશ્રય યાદવએ જણાવ્યું હતું કે હાલમાં સિનોપ્ટિક સિસ્ટમમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી રાજ્યના અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને ન્યૂનતમ તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
ડીસા અને ભુજમાંથી ચોમાસાની વિદાય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. ડીસા અને ભુજમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ આગામી દિવસોમાં વરસાદની કોઈ શક્યતા નથી. એ સિવાયના જિલ્લાઓમાં હજી પણ ચોમાસાની વિદાય થવાની બાકી હોઈ, છૂટાછવાયાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.