આ નવરાત્રીમાં પણ કિંજલ દવે નહીં ગાઈ શકે 'ચાર ચાર બંગડી વાળી ગાડી...' ગીત, જાણો કેમ ?
અમદાવાદ: નવરાત્રીનો માહોલ હોય, કિંજલ દવેના સૂરે ખેલૈયા રાસની રમઝટ બોલાવતા હોય પરંતુ આ રાસની રમઝવટમાં 'ચાર ચાર બંગડી...'વાળુ ગીત ન હોય તો ? ગુજરાતીઓના મુખે વસી ગયેલું આ ગીત કોપી રાઈટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં છે, નીચલી કોર્ટના ચુકાદા સામે રેડ રિબને હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે હાઇકોર્ટે કિંજલ દવેને રાહત ન આપતા 'ચાર ચાર બંગડી વાળી ગાડી..' ગીત પર સ્ટે યથાવત રાખ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ગાયક કિંજલ દવેને 'ચાર ચાર બંગડીવાળી ગાડી...' ગીત ગાવા પર આઠ સપ્તાહનો સ્ટે આપ્યો છે.
આ મામલે કોપી રાઈટનો કેસ કરનાર કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની વાત કરતા હાઇકોર્ટે ગીત ગાવા પર 8 અઠવાડિયા સુધીનો સ્ટે મૂક્યો છે. ત્યાર બાદ આ મુદ્દે સુનાવણી કરવામાં આવશે, જેના કારણે નવરાત્રીમાં કિંજલ દવે 'ચાર ચાર બંગડી વાળુ' ગીત નહિં ગાઈ શકે.
નવરાત્રીમાં 'ચાર ચાર બંગડી...'નું ગીત આ વર્ષે ખૂબ ધૂમ મચાવશે એવા સમાચારો સામે આવતા હતા, પરંતુ હાઇકોર્ટ દ્વારા આ ગીતને ગાવા માટે લીલી ઝંડી આપવામાં આવી નથી. મહત્વપૂર્ણ છે કે, કિંજલ દવેનું 'ચાર ચાર બંગડી...' ગીત ન માત્ર ગુજરાતમાં દેશ આખામાં લોકપ્રિય બન્યું હતું અને આ જ ગીતથી કિંજલ દવેને સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી. જોકે, ગીતના કોપી રાઈટ હેઠળ સોંગ પર પ્રતિબંધ મુકાયો હતો અને ગુજરાત હાઇકોર્ટમાં આ બાબતને લઈ એક કેસ ચાલ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે, 20 ડિસેમ્બર 2016ના રોજ RDC ગુજરાતીની યૂટ્યૂબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું અને તરત જ લોકપ્રિય થઈ ગયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યૂટ્યૂબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. એટલે કાર્તિક પટેલ કોપીરાઈટ કરેલા આ ગીતના માલિક ગણાય. આરોપ છે કે, કિંજલ દવેએ સામાન્ય ફેરફાર કરીને આ ગીતની નકલ કરી હતી. કિંજલ દવે અને તેના અસોસિએટ્સ દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટીકરણથી રેડ રિબિન સંતુષ્ટ ના થતાં તેમણે ફેબ્રુઆરી 2017માં લીગલ નોટિસ મોકલી હતી.
વર્ષ 2019માં રેડ રીબન એન્ટરટેઈન્મેન્ટ કંપની દ્વારા અમદાવાદની સિવિલ કોર્ટમાં કિંજલ દવે, આરડીસી મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ દાવા કોપી રાઈટ 1957ની કલમ 55 મુજબ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કિંજલ દવે આ ગીત યુટ્યૂબ પર રિલીઝ કર્યું હતું .કિંજલ દવે આ ગીતની કોપી કરી હોવાનો દાવો છે. પરંતુ અરજદાર તે સાબિત કરવામાં કોર્ટમાં સફળ રહ્યાં નહીં .જેથી સીટી સિવિલ કોર્ટે 30 જાન્યુઆરી 2024ના રોજ ગીતના કોપી રાઈટ મામલે કિંજલ દવેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો .પરંતુ 15 દિવસ સુધી ઓર્ડરના અમલીકરણ પર રોક લગાવવામાં આવી હતી, કારણ કે અરજદારે અપીલ કરવા માટે રજૂઆત કરી હતી, એટલે 14 ફેબ્રુઆરી 2024સુધી કિંજલ દવે આ ગીત જાહેર મંચ ઉપર ગઈ શકી ન હતી. આ મામલે વધુ સુનાવણી ડિસેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતા છે.