views
1. વડોદરામાં ફરી કોમી શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ: AIથી લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ એવી પોસ્ટ થતાં પથ્થરમારાથી માહોલ તંગ, 50ની અટકાયત; આજે પણ ચુસ્ત બંદોબસ્ત - Vadodara News

વડોદરામાં ગણેશચતુર્થી બાદ ફરી કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂનીગઢી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ એ રીતે AI આધારિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં લઘુમતી સમાજના લોકો 19 સપ્ટેમ્બરની મોડીરાત્રે રસ્તા પર ઊ
આ સમગ્ર મામલે સિટી પોલીસે હાલમાં AI આધારિત પોસ્ટ કરનાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે, સાથે પથ્થરમારો કરનાર ટોળાને પણ ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? એની ગંધ સુધ્ધાં ન આવે એ માટે સિટી પોલીસ મથક બહાર બે પોલીસકર્મીને બેસાડી દેવામાં આવ્યા છે. મીડિયા અને સામાન્ય નાગરિક ફરિયાદ માટે આવે તોપણ અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. આ સાથે જૂનીગઢી વિસ્તારમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
મોડીરાતે વિવાદાસ્પદ પોસ્ટને લઈ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઊતરી આવ્યા હતા.
પોલીસ ધાર્મિક લાગણી અને અન્ય બનાવને લઈ કાર્યવાહી કરી રહી છેઃ લીના પાટીલ આ અંગે એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાય એવો બનાવ બન્યો છે. એ અનુસંધાને લોકોનું ટોળું પોલીસ મથક વિસ્તારમાં આવતાં માહોલ થોડો ગરમાયો હતો. પોલીસ મથકોની અને ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તાત્કાલિક આવી જતાં આ મામલો શાંત પડ્યો છે. હાલમાં વિસ્તારમાં શાંતિ છે. હાલમાં આ મામલે પોલીસનો અલગ-અલગ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત છે. હાલમાં પોલીસ ધાર્મિક લાગણી અને અન્ય બનાવને લઈ કાર્યવાહી કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે, સાથે સોશિયલ મીડિયા પર પણ નજર છે. જે કોઈ સોશિયલ મીડિયા પર આવી કોઈ અફવાઓ ફેલાવશે કે કોઈ વાંધાજનક મેસેજ કરી કોઈ જગ્યાએ માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે.
મોટી સંખ્યામાં લોકો રજૂઆત માટે સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
મક્કા-મદીના અમારા માટે સૌથી પાક જગ્યા છેઃ જુનેદભાઈ આ મામલે જુનેદભાઈ નામના સ્થાનિક અને વકીલે જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે બહાર હતો, પરંતુ વિસ્તારના છોકરાઓએ મને જાણ કરી કે કોઈ વ્યક્તિ જેને હું વ્યક્તિ તો નહિ, જેવી રીતે કોઈ વ્યક્તિ ધાર્મિક કૃત્ય કરે છે, ખોટું કૃત્ય કરે છે, તો તેને આતંકવાદી કહે છે તો હું આ વ્યક્તિને પણ આતંકવાદી જ કહીશ.

પીઆઈ સાહેબે અમને બાંયધરી આપી છે કે જે કોઈ આરોપી છે તે જૂનીગઢી વિસ્તારનો છે અને તેની સામે ફરિયાદ દાખલ કરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. સિટી પોલીસ સ્ટેશનમાં આવેલા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મક્કા-મદીના અમારા માટે સૌથી પાક જગ્યા છે અને રિસ્પેક્ટેડ છે, એટલે જો કોઈ વ્યક્તિને એની કિંમત ખબર ન હોય તો તેનો ફોટો કે વીડિયો નાખતાં પહેલાં દસ વાર વિચારવું જોઈએ. આવું ચલાવી લેવામાં નહિ આવે. આવા લોકોને પાસા અથવા તડીપાર કરવા જોઈએ.
માહોલ તંગ બનતાં પોલીસે સ્થળે પહોંચી કાર્યવાહી કરી.
પથ્થરમારાની ઘટના બાદ લોકોમાં ભય, બાળકો સ્કૂલે જતા ડરી રહ્યા છેઃ દર્શન કુંડ આ અંગે સ્થાનિક અને પ્રત્યક્ષદર્શી દર્શન કુંડે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ કંઈક AIની પોસ્ટ હતી. સોશિયલ મીડિયા પર એના પર કંઈ છોકરાએ કોમેન્ટ કરી હતી. એ લોકો કઈ રહ્યાં છે પણ અમને ખબર નથી. પણ જે ટોળું આવ્યું હતું તેઓનું એવું કહેવાનું હતું કે, તમારા મોહલ્લાનો કોઈ છોકરો છે. પહેલા પોલીસ સ્ટેશન ટોળું ગયું હતું, ત્યાંથી ટોળું અહીંયા આવ્યું અને લોકોને અહીંયા ભયભીત કરવાનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો.

અલ્લાહ-હુ-અકબરના નારા લગાવ્યા, એટલે હિંદુઓને બીવડાવવાનું કાવતરું છે. પથ્થરમારો થયો એટલે તેઓએ ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. લેડીઝોને બીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. મંડપ તોડવાનો પ્રયાસ કર્યો છે. આ બધું તમે જોઈ શકો છો કે, કેટલું નુકસાન થયું છે. આજે ધાર્મિક લાગણી અમારી પણ દુભાય ને. નવરાત્રિનો મંડપ તોડવા ગયા તો અમારૂ ધાર્મિક કાર્ય નથી?
કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો.
અમારી માતા-બહેનો શાકભાજી લેવા જતા વિચાર કરે છેઃ વિશાલ ઉતેજર અન્ય એક પ્રત્યક્ષદર્શી વિશાલ ઉતેજરે જણાવ્યું હતું કે, રાત્રિના 10:30થી 11:00ના સુમારે એક ઉશ્કેરાયેલું ટોળું અહીં આવ્યું હતું અને તેઓની તકરાર હતી કે, સોશિયલ મીડિયા પર કોઈક ટિપ્પણીને લઈને સમગ્ર ઘટના સર્જાઈ અને તેઓએ પંડાલમાં તોડફોડ કરી હતી. જો એવો કોઈ બનાવ બન્યો છે તો આપની પહેલી પ્રાયોરિટી છે કે પોલીસને જાણ કરો, જે કાયદાકીય પગલાં લેવાના છે એ પોલીસનું કામ છે, ના કે કાયદો હાથમાં લેવાનું. કારણ કે, જે તે સમયે ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંક્યા ત્યારે પણ અમે લોકોએ શાંતિ જાળવી અને પોલીસે કાયદાને કાયદાની રીતે, કાયદા થકી એવા તત્વોને પાઠ ભણાવે છે . તેનાથી અમને કોઈ નિસ્બત નથી, પરંતુ આ જે પંડાલ તોડ્યા છે, જે ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ ઊભો થયો છે.

આ સમગ્ર જે ઘટના છે, તેનાથી લોકો ક્યાંક ને ક્યાંક, તમારા ઘરની બહાર અગર કોઈ 500થી 700 જણનું ટોળું ઉશ્કેરણીજનક શબ્દો બોલે, તોડફોડ કરે તો તમે વિચાર કરી શકો છો કે તમારી માનસિક સ્થિતિ શું થઈ હશે? અને એના જે પ્રત્યાઘાત છે તે બાળકો ઉપર કયા પ્રકારે પડ્યા હશે?

સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ-કોમ્બિંગ મોડીરાતે સર્જાયેલી સ્થિતિ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ જોડાયા હતા.

નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ સ્થિતિ વધુ ન વણસે એ માટે પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ પણ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું એક ટોળું સિટી પોલીસ મથકમાં ધસી આવ્યું હતું, જ્યાં પોલીસે સમજાવટથી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સોમવારથી નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું છે, એવા સમયે જ કોમી શાંતિ ડહોળાય એવી ઘટના બનતાં પોલીસ તંત્ર સજાગપણે સક્રિય થયું છે, જોકે લોકોના ઉશ્કેરાટ અને માગણી પછી આખરે પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટ અંગે ફરિયાદ સ્વીકાર્યા પછી માંડ મામલો શાંત પડ્યો હતો.
દિવસે પણ જૂનીગઢી વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.
જૂનીગઢીમાં પથ્થરમારાનો બનાવ સામે આવતા પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ કાબુમાં લીધી: DCP આ ઘટના અંગે DCP એન્ડ્રુ મેકવાને જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો હતો. તે દરમિયાન લોકો પોલીસ મથક ખાતે રજૂઆત અર્થે આવ્યા હતા. તેઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તે સમયે શહેરના જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારાનો બનાવ સામે આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને ત્યારબાદ પેટ્રોલિંગ કરી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.
‘50થી વધુ લોકોની અટકાયત’ આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે તે સંદર્ભે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાથે રાયોટિંગના ગુનામાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 50થી વધુ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે.
‘સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરનારની અટકાયત’ હાલમાં કુલ બે ફરિયાદો દાખલ કરવામાં આવી છે, જેમાં એક સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટને લઈ અને બીજી રાયોટિંગના ગુનાની દાખલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરનારને અટક કરવામાં આવ્યો છે. વીડિયો સંદર્ભે તેઓએ કંઈ પણ જણાવ્યું નહોતું. આ વીડિયો અહીંના સ્થાનિક છે જેના કારણે લોકોમાં વાઇરલ થયો અને તેની રજૂઆત માટે લોકો આવ્યા હતા.
કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયાની વિગતો આ ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. જોકે આ બાબતે DCPએ મૌન સેવ્યું છે. જો કે હજુ પોલીસે આરોપીઓના નામ અને વીડિયો જાહેર નથી કર્યા. સાથે આ સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં પોલીસ પોઇન્ટ હતો કે નહીં તે વિશે પૂછતા કહ્યું કે પોઇન્ટ થોડો દૂર હતો.
આ સમાચાર પણ વાંચો...
ગોધરામાં સો. મીડિયા ઈન્ફ્લુએન્સરને પોલીસે બોલાવતાં હોબાળો, ટોળાનો બી ડિવિઝન પોલીસનો ઘેરાવ, પરિસ્થિતિ તંગ બનતાં લાઠીચાર્જ

19 સપ્ટેમ્બરને શુક્રવારે ગોધરામાં આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક ઈન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો, જેના કારણે ગેરસમજ થતાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક બહાર એક જ સમુદાયના લોકોનું મોટું ટોળું એકત્ર થયું હતું. આ ટોળાએ હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિ તંગ બનતાં પોલીસને ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. દરમિયાન રેન્જ આઇજી, જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસકાફલો દોડી ગયો હતો. સ્થિતિને કાબૂમાં લઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો...)

25 ઓગસ્ટની રાતે 3 વાગ્યાની આસપાસ ગણેશજીની મૂર્તિ પર ઈંડાં ફેંકાયાં હતાં વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારનું નિર્મલ પાર્ક યુવકમંડળ 25 ઓગસ્ટની રાતે 3 વાગ્યાની આસપાસ ગણેશજીની સ્થાપના માટે મૂર્તિમા લઈને આવી રહ્યું હતું. આ સમયે કિશનવાડી કૃષ્ણ તળાવથી પાણીગેટ થઈને સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મજાર માર્કેટ ખાતે અસામાજિક તત્ત્વો દ્વારા મૂર્તિ પર ઈંડાં ફેંકવામાં આવ્યાં હતા. ઘટનાને પગલે તરત પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. આ સમયે પોલીસને હાજરીમાં પણ ઈંડાં ફેંકાતાં હિન્દુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે રાતે જ કેટલાક શકમંદોને પકડીને પૂછપરછ શરૂ કરી હતી. બાદમાં સીસીટીવી સહિતના આધારે સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીના ભાજપના નેતા સાથેને કેટલાક વીડિયો પણ સામે આવતાં ચર્ચાનો વિષય બન્યો હતો. તો બીજી તરફ પોલીસે પણ આરોપીને જુનેદને કોર્ટ લઈ જતી વખતે VIP સુવિધા આપી હતી...