views
1. Ind vs Pak: 'નો હેન્ડશેક કોન્ટ્રોવર્સી' વચ્ચે એશિયા કપમાં આજે ફરી ભારત-પાકિસ્તાન આમને-સામને | India Pakistan face off again in Asia Cup today amid no handshake controversy
Ind vs Pak Asia Cup 2025 News : ‘નો-હેન્ડશૅક’ તેમજ મેચ રેફરી અંગે સર્જાયેલા વિવાદ અને તનાવ વચ્ચે આજે એશિયા કપ ટી-૨૦માં ફરી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાશે. ટીમ ઈન્ડિયાએ ગ્રૂપ સ્ટેજની એકતરફી મેચમાં પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતુ અને ત્રણેય મેચ જીતી ટોચનું સ્થાન હાંસલ કર્યું હતુ.
શું આજે પણ વિવાદ યથાવત્ રહેશે?
હવે સુપર ફોર રાઉન્ડમાં પણ ટીમ ઈન્ડિયા જીતનો સિલસિલો આગળ ધપાવવા માટે સજ્જ જોવા મળી રહી છે. જ્યારે વિવાદ અને નિષ્ફળતાથી હતાશ પાકિસ્તાન ભારત સામે સુપર ફોરની મેચમાં પણ કેટલું ટકી શકશે તે જોવાનું રહેશે. દુબઈમાં આજે ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:00 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. ભારતીય ટીમે ગ્રૂપ સ્ટેજની મેચમાં પાકિસ્તાન સામે હાથ મિલાવ્યા ન હતા અને આજની સુપર ફોરની મેચમાં પણ ટીમ ઈન્ડિયા આ નિર્ણયને વળગી રહેવાની છે.
ટીમ ઈન્ડિયાની ઈનફોર્મ બેટિંગ લાઈનઅપ
ભારતીય ટીમની બેટિંગ લાઈનઅપ મજબુત છે અને તે જ પાકિસ્તાનને ભારે પડી જશે તેમ લાગી રહ્યું છે. એશિયા કપની જ ગ્રૂપ સ્ટેજની મેચમાં ભારતે 128નો ટાર્ગેટ માત્ર 15.5 ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. સૂર્યકુમારે 47 રનની અણનમ કેપ્ટન્સ ઈનિંગ રમી હતી. સેમસને અડધી સદી ફટકારતાં ફોર્મ મેળવી લીધું છે. જ્યારે ગિલનું ફોર્મ ટીમ માટે ચિંતાજનક છે. જોકે અભિષેક, તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા તેમજ અક્ષર પટેલ ફિયરલેસ બેટિંગને સહારે મેચનું પાસું પલ્ટી નાંખી શકે છે.
ઓલરાઉન્ડર્સની હાજરીથી ભારતીય ટીમ મજબૂત
સૂર્યકુમારની આગેવાની હેઠળની વર્લ્ડ ટી-20 ચેમ્પિયન ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડર્સની હાજરી નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલની જોડી બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ પ્રભાવશાળી દેખાવ કરવા માટે સક્ષમ છે. તેની સાથે સાથે શિવમ દુબે અને અભિષેક શર્મા પણ બોલિંગથી કમાલ કરી શકે છે. કેપ્ટન સૂર્યકુમારને બોલિંગમાં વૈવિઘ્યસભર વિકલ્પો પ્રાપ્ત થયા છે અને તેના થકી જ ભારતની ટીમ વઘુ સંતુલિત અને મજબુત બની છે.
બુમરાહનું પ્રભુત્વ : સ્પિનરો ફરી જાદુ ચલાવશે
વર્લ્ડ ક્લાસ ફાસ્ટ બોલર બુમરાહ આગવું પ્રભુત્વ જાળવી રાખવા માટે આતુર છે. દુનિયાના ટોચના બેટ્સમેનો બુમરાહની સામે સંઘર્ષ કરતાં જોવા મળે છે. તે પાકિસ્તાનના બેટ્સમેનો પર આગવું પ્રભુત્વ જાળવી રાખવા માટે પ્રયાસ કરશે. અક્ષરની સાથે કુલદીપ અને વરૂણની ત્રિપુટીએ પાકિસ્તાનને ગ્રૂપ સ્ટેજની મેચમાં પરેશાન કરી દીઘું હતુ અને કુલ છ વિકેટ ઝડપી હતી. અભિષેક શર્માએ પણ બોલિંગ પર હાથ અજમાવ્યો હતો. ભારતના ઘાતક બોલિંગ આક્રમણ સામે પાકિસ્તાનના બેટ્સમેનો બેકફૂટ પર જ રહેશે તેમ ચાહકોને લાગી રહ્યું છે.
પાકિસ્તાન સામે નાલેશીથી બચવાનો પડકાર
સલમાન આગાની સાવ સાધારણ સ્તરની લાગતી પાકિસ્તાનની ટીમની સામે સૌથી મોટો પડકાર નાલેશીભરી હારથી બચવાનો છે. ગ્રૂપ સ્ટેજની મેચમાં ભારતીય બોલરો પાકિસ્તાનના બેટ્સમેનો પર હાવી જોવા મળ્યા હતા. ફરહાન અને ઝમાન તેમજ આફ્રિદી સિવાયના પાકિસ્તાનના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. તેમના ટોપ સેવનમાંથી પાંચ બેટ્સમેન તો સિંગલ ડિજિટનો સ્કોર કરી શક્યા હતા. બોલિંગમાં પણ આફ્રિદી, મુકીમ, સઈમ અયુબ, તેમજ નવાઝ સાવ સાધારણ દેખાવ કરી શક્યા હતા. અબરારે સ્પિન ફ્રેન્ડલી પીચ પર પ્રભાવ પાડ્યો હતો.
પાકિસ્તાને મોટીવેશનલ વક્તાને ટીમમાં સમાવ્યો
ભારત સામેની ગ્રૂપ સ્ટેજની મેચમા મળેલી કારમી હારના કારણે પાકિસ્તાન ભારે હતાશ જોવા મળી રહ્યું છે. આ જ કારણે ભારત સામેની મેચ અગાઉ પાકિસ્તાનના ખેલાડીઓને પ્રેરણા પૂરી પાડવા અને જોશ જગાવવા માટે બોર્ડે એક મોટીવેશન સ્પીકર (પ્રેરણા આપનાર વક્તા)ને ટીમમાં સામેલ કર્યો છે. જેનું નામ ડૉ. રાહીલ કરીમ છે.
આજે પણ પાયક્રોફ્ટ મેચરેફરી
ભારત સામેની પ્રથમ ગ્રૂપ સ્ટેજની મેચમાં હાથ મિલાવવા અંગે સર્જાયેલા વિવાદને પગલે પાકિસ્તાને મેચ રેફરી પાયક્રોફ્ટને જવાબદાર ઠેરવતા તેમની હકાલપટ્ટીની માગ કરી હતી. જોકે ત્યાર બાદ મેચ રેફરી પાયક્રોફ્ટે ગેરસમજ અંગે માફી માગી લેતા વિવાદ શમી ગયો હતો. આ પછી હવે આવતીકાલે રમાનારી ભારત અને પાકિસ્તાનની સુપર ફોરની મેચમાં પણ આઇસીસીએ મેચ રેફરી તરીકે પાયક્રોફ્ટની જ નિયુક્તિ કરી છે. પાકિસ્તાન માટે આ સ્થિતિ ક્ષોભજનક છે, કારણ કે તેઓ જેમનો વિરોધ કરી રહ્યા હતા તે જ મેચ રેફરીને મહત્વની મેચમાં ફરી જવાબદારી સોંપવામાં આવી છે. દરમિયાનમા પાકિસ્તાને એશિયા કપમાં તેના નાટકનો સિલસિલો જારી રાખ્યો છે. જે અંતર્ગત તેઓએ ભારત સામેની સુપર ફોરની મેચ અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન કે કોઈ ખેેલાડી કે સપોર્ટ સ્ટાફના સભ્યને મોકલ્યો નહતો. વળી, આ અંગે તેમણે કોઈ નક્કર કારણ પણ આપ્યું નહતુ. બહુરાષ્ટ્રીય કે દ્વિપક્ષીય શ્રેણીની મેચ અગાઉ પ્રત્યેક ટીમ તેના કેપ્ટન કે કોચને પ્રિ-મેચ કોન્ફરન્સમાં હાજર રાખે છે અને તેઓ મીડિયાના પ્રશ્નોનો જવાબ આપે છે. જોકે પાકિસ્તાન છેલ્લી બે મેચોથી આ પ્રકારની પ્રેસ-કોન્ફરન્સમાં કોઈને મોકલતું નથી. અગાઉ પણ યુએઈ સામેની મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સનો પણ તેમણે આ જ પ્રકારે બહિષ્કાર કર્યો હતો.
ભારત (સંભવિત ટીમ) : અભિષેક, ગિલ, સૂર્યકુમાર (કેપ્ટન), તિલક વર્મા, દુબે, સેમસન (વિ.કી.), હાર્દિક, અક્ષર, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્થી, બુમરાહ.
પાકિસ્તાન (સંભવિત ટીમ) : ફરહાન, સઈમ, હારિસ (વિ.કી.), ઝમાન, આગા (કેપ્ટન), હસન નવાઝ, એમ. નવાઝ, અશરફ, આફ્રિદી, મુકીમ, અબરાર.