views
'કોંગ્રેસને સમજાયું હવે રસ્તા પર ઊતરવું જ પડશે': જિલ્લા-પ્રમુખોને 3-3 વખત ફિલ્ડ વિઝિટ પર મોકલ્યા, જૂના જોગીઓને સક્રિય કરવાની સૂચના અપાઈ

સંગઠન સર્જન અભિયાન અંતર્ગત જૂનાગઢમાં ચાલતી ગુજરાત કોંગ્રેસના જિલ્લા-પ્રમુખોની શિબિર આવતીકાલે પૂરી થશે. ભાજપને ગુજરાતમાં હરાવવાની ચેલેન્જ ફેંક્યા પછી રાહુલ ગાંધી ગુજરાતમાં ખૂબ સક્રિય છે. તેઓ છેલ્લા ચાર મહિનામાં 5 વાર અહીં આવી ચૂક્યા છે.
જૂનાગઢમાં યોજાયેલી શિબિરમાં પણ રાહુલ ગાંધી 12મી તારીખે એકવાર આવ્યા હતા અને જિલ્લા-પ્રમુખો સાથે વાત કરી હતી. ત્યારે આ શિબિર પછી કોંગ્રેસમાં શું બદલાશે? કોંગ્રેસના જિલ્લા-પ્રમુખોને આ ટ્રેનિંગમાં શું શીખવવામાં આવ્યું? ક્યા 9 જિલ્લા-પ્રમુખોને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું? આ ટ્રેનિંગની ડિઝાઇન અને સંગઠનને મજબૂત કરવાની બ્લૂપ્રિન્ટ કોણે તૈયાર કરી છે? આ તમામ પ્રશ્નોના જવાબ દિવ્ય ભાસ્કરે શિબિરમાં હાજર કેટલાક જિલ્લા-પ્રમુખ અને કોંગ્રેસનાં કેટલાંક સૂત્રો પાસેથી મેળવ્યા છે.
શિબિર માટે રાહુલ ગાંધીની જુનાગઢ થી શરૂઆત તો કેમ ?
સૌરાષ્ટ્રમાં અત્યારે કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય છે વિમલ ચૂડાસમા, જે ગીર સોમનાથ જિલ્લામાંથી આવે છે. કોંગ્રેસ હાલમાં થોડાઘણા અંશે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મજબૂત છે, એટલે કોંગ્રેસને અહીંથી વધારે આશા છે. એના કારણે શિબિર માટે જૂનાગઢની પસંદગી કરાઇ છે.
10મી તારીખે શિબિરનો પ્રારંભ થયો હતો.
જિલ્લા-પ્રમુખોની 3-3 વાર હાજરી પુરાય છે કોંગ્રેસની આ શિબિર જૂનાગઢના પ્રેરણાધામ ખાતે ચાલી રહી છે. શિબિર દરરોજ સવારે 7 વાગ્યે શરૂ થાય છે અને સાંજે 7-8 વાગ્યા સુધી ચાલે છે. સવારે પ્રભાતફેરી અને યોગથી લઇ મેડિટેશન પણ કરાવવામાં આવે છે. આ શિબિરમાં જિલ્લા-પ્રમુખની 3-3 વાર હાજરી પણ પૂરવામાં આવે છે.

નામ ન આપવાની શરતે કોંગ્રેસના એક જિલ્લા-પ્રમુખના કહેવા પ્રમાણે શિબિરમાં અલગ અલગ વિષય પર જ્ઞાન અને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવ્યું અને એ પણ કહેવાયું કે માત્ર મતોનું રાજકારણ આપણું લક્ષ્ય નથી. આપણે ટુ ધ પોઇન્ટ દરેક મુદ્દાને ઉપાડવાનો છે એ અંગે વાત કરવાની છે. આ વખતે કોંગ્રેસ ફુલ તૈયારીમાં છે. દર વખતની જેમ અધ્ધરતાલ કામ નથી ચાલી રહ્યું. પૂરા આયોજન અને ગણતરીપૂર્વક યોગ્ય દિશામાં કોંગ્રેસ ચાલી રહી હોય એવું લાગે છે. શિબિર દરમિયાન દરેક જિલ્લા-પ્રમુખમાં પોઝિટિવિટી સાથે નવી ઊર્જાનો સંચાર કરવામાં આવ્યો છે.
કોંગ્રેસની શિબિરમાં શિસ્ત દેખાઈ ગુજરાત કોંગ્રેસની રીત અને પદ્ધતિ પણ આ શિબિરમાં જાણે બદલાઇ છે. સંગઠનમાં કોંગ્રેસમાં શિસ્ત વધતી જોવા મળી રહી છે.
'આ 9 જિલ્લા-પ્રમુખને અપાયું અલ્ટિમેટમ' કોંગ્રેસ હાઇકમાન્ડે 9 જિલ્લા-પ્રમુખને અલ્ટિમેટમ પણ આપી દીધું છે. આ 9 જિલ્લા-પ્રમુખ કોણ એ અંગે સૌકોઈ સવાલ કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ જિલ્લા-પ્રમુખોમાં અમરેલી, ગાંધીનગર શહેર, ગાંધીનગર જિલ્લો, નડિયાદ, બોટાદ, કચ્છ, આણંદ, સુરત જિલ્લો અને હિમંતનગરના પ્રમુખને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હોવાની ચર્ચા છે.

'રાહુલ ગાંધીએ 3 કલાકમાં મહત્ત્વની વાતો કહી' રાહુલ ગાંધી 12મી સપ્ટેમ્બરે આવ્યા હતા. તેમણે પોતાની મુલાકાત દરમિયાન જિલ્લા-પ્રમુખ સાથે પારિવારિક સંબંધ કેળવવાની કોશિશ કરી. તેમણે રાજનીતિ અને ચૂંટણીઓની વાત કરતાં વધુ ફોક્સ એક રાજનેતા તરીકે પરિવારને સાચવવા સહિતની બીજી ચેલેન્જ અંગે વાત કરવામાં કર્યું. તેમણે દરેક જિલ્લા-પ્રમુખ સાથે આત્મીયતાનો સંબંધ કેળવવાનો પ્રયત્ન કર્યો.
'અત્યારે જ્ઞાતિવાદ રહેવા દો, ફોક્સ બદલો' એક સમયે જે કોંગ્રેસને ખામ થિયરીના કારણે 149 બેઠક પર જીત મળી હતી એ જ કોંગ્રેસ હવે જ્ઞાતિવાદ પરથી ફોકસ બદલશે. 12 સપ્ટેમ્બરની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જાતિવાદને અત્યારે રહેવા દો. આર્થિક પરિસ્થિતિના વિભાજનને આધારે ગરીબ અને મધ્યમ એમ 2 વર્ગ પર સૌથી વધારે ફોક્સ કરવાનું છે. તેમણે આર્થિક પછાત દરેક વર્ગને કેવી રીતે મદદ થઇ શકે એ અંગે વાત કરી છે.
'રાહુલ ગાંધીનું વન ટુ વન' રાહુલ ગાંધીએ 3 કલાક દરેક જિલ્લા-પ્રમુખ સાથે જનરલ જ નહીં, સાથે વન ટુ વન પણ ચર્ચા કરી. પોતાના અનુભવ સહિત પરિવાર વિશે પણ તેમણે માહિતી લીધી. રાહુલ ગાંધી પાસે દરેકનો રિપોર્ટ અને કામગીરી અંગે જાણકારી પણ હતી. તેમણે સંગઠનમાં કેવી રીતે આગળ વધી શકાય અને એ સહિત કોન્સન્ટ્રેશન કેવી રીતે રાખવું સહિતના મુદ્દાઓ સમજાવ્યા. તેમણે કેટલાક જિલ્લા- પ્રમુખોની સારી કામગીરીનાં ઉદાહરણ પણ આપ્યા હતા.
રાહુલ ગાંધીએ જિલ્લા-પ્રમુખો સાથે વાત કરી હતી.
'અભય મુદ્રાથી આત્મવિશ્વાસ' રાહુલ ગાંધીએ જિલ્લા-પ્રમુખો સાથે શિવજી અને વિવિધ ભગવાન અને ઇષ્ટદેવ અંગે પણ વાત કરી. તેમણે અભય મુદ્રાની વાત કરીને દરેક જિલ્લા-પ્રમુખમાં જુસ્સો ભરવાનો પ્રયત્ન કર્યો. કોંગ્રેસ કોઇ ધર્મ કે જ્ઞાતિ વિરોધી નથી એ વાત પણ તેમણે સ્પષ્ટ કરી હતી.
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ટાસ્ક આ શિબિર પત્યા પછીથી શરૂ કરવાનો એક મોટો ટાસ્ક જિલ્લા-પ્રમુખોને આપી દેવામાં આવ્યો છે. આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે દરેકે પોતપોતાના જિલ્લામાં યોગ્ય ઉમેદવારને ધ્યાનમાં રાખવાના છે. એને શોધવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાની છે. આ ઉમેદવારોની પસંદગીમાં જીતની ક્ષમતાના ફેક્ટર પર ફોક્સ કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગીમાં જ્ઞાતિ સમીકરણને પણ સંતુલિત કરવામાં આવશે.
'કોંગ્રેસને અંતે સમજાયું કે રસ્તા પર ઊતરવું જ પડશે' ગમે એટલી સ્ટ્રેટેજી અને જ્ઞાતિ સમીકરણની વાત કરીએ, પરંતુ રસ્તા પર ઊતર્યા સિવાય મેળ નહીં પડે એ વાત કોંગ્રેસને સમજાઈ હોય એવું લાગે છે.
આ શિબિરમાં જિલ્લા-પ્રમુખોને 3 -3 વખત ફિલ્ડ વિઝિટ પર મોકલવામાં આવ્યા. તેમને અલગ અલગ ટીમમાં વહેંચી અલગ વિસ્તાર આપી દેવામાં આવ્યા હતા. લોકોની વચ્ચે કેવી રીતે જવું? તેમની વાત કેવી રીતે ઉઠાવવી? તેમની વચ્ચે પોતાની અલગ જગ્યા કેવી રીતે બનાવવી અને ખાસ કરી જન આંદોલન કેવી રીતે ઊભું કરવું એની ટ્રેનિંગ તેમને આપવામાં આવી.
જિલ્લા-પ્રમુખોની 3 વાર હાજરી પુરાય છે.
'ખાલી રાજકારણ કરવા વિસ્તારમાં ન જાઓ, લોકોને સમજો' ફિલ્ડ વિઝિટ દરમિયાન જિલ્લા-પ્રમુખને જે-તે ગામની ભૌગોલિક પરિસ્થિતિ, ઇતિહાસ, નામકરણ, જ્ઞાતિ સમીકરણ, ગામના લોકોની આર્થિક પરિસ્થિતિ, સુવિધા સહિતની બાબતો જાણવા અંગે કહેવામાં આવ્યું હતું, એટલે આ બાબતથી તેમને શીખવ્યું કે માત્ર રાજકારણ કરવા કોઇપણ વિસ્તારમાં ન જાઓ, ત્યાંના લોકોને જાણો, તેમની સમસ્યાને સારી રીતે સમજો અને આ પછી તેમની મદદ માટે આપણે શું કરી શકીએ એ વિચારો.
'જૂના જોગીઓને મળો અને યુવાનોને જોડો' દરેક જિલ્લા-પ્રમુખને સ્પષ્ટ રીતે કહી દેવાયું છે કે જ્યાં સુધી ગ્રાઉન્ડ પર નહીં ઊતરો ત્યાં સુધી કંઇ થઇ શકશે નહીં. દરેકને ફરજિયાત ગ્રાઉન્ડ પર ઊતરવાની સાથે સ્થાનિક કક્ષાએ કોંગ્રેસના વિવિધ સેલ એક્ટિવ કરવાનું કહેવામાં આવ્યું છે. નવા સદસ્યોને જોડવાની સાથે જૂના કોંગ્રેસી સભ્યોને સક્રિય કરવાનું પણ કહેવાયું છે. દરેક વિસ્તારના જૂના કોંગ્રેસીઓને ઓળખવાનું અને મળવાનું પણ કહેવાયું છે. મહિલાઓને જોડવા પર પણ ફોક્સ કરવાનું કહેવામાં આવ્યું છે.
સત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતાં લોકોમાં વિશ્વાસ સંપાદનને પ્રાધાન્ય આપવાનું કહેવાયું છે.

'પર્ફોર્મન્સ આપો, નહીં તો હટાવી દેવામાં આવશે' જે રીતે ભાજપમાં દરેક પદાધિકારીને ગોલ એચીવ કરવા માટે રોડ મેપ અપાય છે અને જવાબદારી નક્કી કરી દેવાય છે એ જ રીતે કોંગ્રેસે પણ આ શિબિરમાં જિલ્લા-પ્રમુખોને સ્પષ્ટ કહી દીધું છે કે તમને સત્તા આપવામાં આવી છે તો સાથે જવાબદારી પણ નક્કી છે. દરેકે સંગઠનને મજબૂત બનાવવું જ પડશે. દરેકનો દર ત્રણ મહિને રિપોર્ટ તૈયાર થશે. જવાબદારી અને ફરજો દરેકે નિભાવવી પડશે. જો આ નહીં કરો તો તમારા સ્થાને બીજા કોઇને બેસાડી દેવામાં આવશે.
'આ દિગ્ગજ નેતાએ જૂનાગઢ શિબિરની ડિઝાઇન નક્કી કરી' જૂનાગઢ શિબિરની ડિઝાઇન અને એમાં કઇ કઇ પ્રવૃત્તિ કરવી એ નક્કી કરવાનું કામ AICCના નેતા સચિન રાવે કર્યું છે. તેમને રાહુલ ગાંધીની નજીકના માનવામાં આવે છે અને તેઓ કોંગ્રેસ શિબિર સહિતના આયોજનની ડિઝાઇન અને પેટર્ન નક્કી કરતા હોય છે.
'શિબિરને અંતે દરેક જિલ્લા-પ્રમુખને રિપોર્ટ કાર્ડ અપાશે' દરેક જિલ્લા-પ્રમુખમાં કઇ કામગીરી સારી છે અને કેટલી બાબતો સુધારવાની જરૂર છે એનો આખો રિપોર્ટ દરેક જિલ્લા-પ્રમુખને શિબિરને અંતે આપવામાં આવશે અને આ તમામ જિલ્લા- પ્રમુખને પોતાની ભૂલોને સુધારવાની તક પણ આપવામાં આવશે. એ પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે.
દિગ્ગજોએ GST, સંગઠન, એડમિનિસ્ટ્રેશન સહિતના વિષય પર લેક્ચર લીધા માત્ર રસ્તા ઉપર કેવી રીતે ઊતરવું અને આંદોલન કેવી રીતે કરવું? એટલું જ નહીં, પરંતુ અલગ અલગ વિષય પર કોંગ્રેસના જિલ્લા-પ્રમુખોનું નોલેજ વધે એ માટે પણ શિબિરમાં પ્રયત્ન કરવામાં આવ્યો. જનરલ એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સ, સોશિયલ મીડિયા, બજેટ, GST સહિતના અનેક વિષયોનું ઊંડુ જ્ઞાન પણ તેમને આપવામાં આવ્યું, જેથી આ પ્રકારના વિષયોને તેઓ સારી રીતે સમજી શકે અને એમાં સરકારની ક્ષતિઓ પારખી એની સામે અવાજ ઉઠાવી શકે. AICCના પ્રવીણ ચક્રવર્તી, મીનાક્ષી નટરાજન, ભૂપેશ બઘેલ સહિતના દિગ્ગજોએ જૂનાગઢ આવીને વિવિધ વિષય પર ટ્રેનિંગ લીધી હતી.
રાહુલ ગાંધી છેલ્લા 4 મહિનામાં 5 વાર ગુજરાત આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસના ભૂતકાળને યાદ કરાયો કોંગ્રેસની શિબિરમાં વર્તમાન અને ભવિષ્ય જ નહીં, પરંતુ ભૂતકાળ તરફ પણ ડોકિયું કરવામાં આવ્યું. ગુજરાતમાં કોંગ્રેસનો ઇતિહાસ, મોટા નેતાઓ, કોંગ્રેસ સરકાર સમયની સારી નીતિઓ, કામકાજની રીત સહિતના અનેક વિષય અંગે પણ જિલ્લા-પ્રમુખો સાથે વાત કરવામાં આવી છે.
જિલ્લા-પ્રમુખનો ભાવુક પ્રસંગ રાહુલ ગાંધીની જિલ્લા-પ્રમુખો સાથેની વાતચીત દરમિયાન જૂનાગઢ શહેર પ્રમુખ મનોજ દવેએ 2019નો એક પારિવારિક દુ:ખદ પ્રસંગ યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 2019માં આંધ્રપ્રદેશમાં મારી દીકરીનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એ સમયે હું માત્ર નાનો કાર્યકર હતો. આ સમયે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસના સમર્થનની સરકાર હતી. મેં મારી તકલીફ અંગે અહેમદ પટેલને વાત કરી અને તેમણે મારી દીકરીનો મૃતદેહ જૂનાગઢ સુધી પહોંચાડવાની મદદ કરી આપી. આ વાત કરતાં તેઓ ભાવુક થઇ ગયા, કહ્યું- મને કોંગ્રેસે ખૂબ આપ્યું છે.
તેમની આ વાત પછી રાહુલ ગાંધીએ કહ્યું, આ વાત પરથી આપણે એક વાત શીખવી જોઇએ કે કોંગ્રેસે પોતાના સમયમાં આપણને બધાને ખૂબ આપ્યું છે. અત્યારે પાર્ટીની જરૂરિયાતના સમયમાં આપણી ફરજ છે કે પાર્ટીને કંઇક આપીએ.
'EAGLE'એ નક્કી કરી સંગઠનને બેઠું કરવાની બ્લૂપ્રિન્ટ ગાંધીજી કોંગ્રેસ-અધ્યક્ષ બન્યાનાં 100 વર્ષની ઉજવણી પર કોંગ્રેસે સંગઠન સર્જન અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું અને 2025નું વર્ષ સંગઠન સર્જન વર્ષ તરીકે નક્કી કરાયું.
આ અભિયાનના પાઇલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતને પસંદ કરવામાં આવ્યું. આ પછી સંગઠન કેવી રીતે મજબૂત થઇ શકે? એ માટે એક કોર કમિટીની રચના કરવામાં આવી, જેણે એક બ્લૂપ્રિન્ટ તૈયાર કરી.
આ કમિટીનું નામ 'EAGLE' કમિટી રાખવામાં આવ્યું. EAGLE એટલે 'એમ્પાવર્ડ એક્શન ગ્રુપ ઓફ લીડર એન્ડ એક્સપર્ટ'. આ કમિટીમાં મુખ્ય 6 સભ્ય હતા એ.કે.એન્ટોની, પી.ચિદમ્બરમ, અશોક ગેહલોત, રણજિત સૂરજેવાલા, જયરામ રમેશ, કે.સી.વેણુગોપાલ
આ કમિટીની બ્લૂપ્રિન્ટના આધારે સંગઠન સર્જન અભિયાન ચાલી રહ્યું છે.